પોશિંટો- વાર્તા ભાગ‌ (૨)પરિવારની પરિભાષા

 

              “  પોશિંટો વાર્તા “

 

તમે પોશિંટો વાર્તા નો પહેલો ભાગ વાંચી અને સારા પ્રતિભાવ આપવા બદલ આપ સૌનું હદય પૂર્વક આભાર. તો ચાલો હવે આપણે બીજા ભાગમાં ડૂબકી લગાવીએ.

 

ત્રાબાનો ઘાટિલો લોટો લીધો,બિલીપત્રના પર્ણ બારીકાઈથી વીળી,ધૂળધાખર વાળા રસ્તે ચાલતા ચાલતા નીકળ્યા મંદિરે.પીપળા‌ નીચે બધી બહેનો વાર્તા સાંભળી ને જય પુરુષોત્તમ બોલી,ત્યાં જ હેજીની વાર્તા ચાલુ થઈ!

એ બાય તારા બે બે રામ લક્ષ્મણ જેવા દીકરા તેની વહુ ને તું આવડી મોડી તારે તો અત્યારે સંતસંગ કરવો જોઈએ ત્યાં જ મીરા બોલી બધા દિવસ સરખા ન હોય તમે ભગવાનનું નામ લ્યો આ પારકી પંચાયત ભગવાનના પેઢે કરશો તો ઊંચા નહીં આવો.
પોશિંટો વાર્તા

ચાલો માવડી આપણે જઈએ હવે નહીં તો તમારા મેહુલિયો ગાજ્યા વગર અણધારો પડશે આપણી માથે આમે તમારે તો કમોસમી વરસાદ વરસે જ છે.ખળખળ હસ્યાં ત્યાં સુધી લખીનો‌ જાપો આવી ગયો ભલે બાઇ.રસોડામાં શાક મોરી રામી બહાર આવતા ગણગણી આ ડુંગળી પણ મારો વાહો નથી મેલતી.

ત્યાં જ મીરાએ પાંચે આંગળીએ પ્રસાદી ધરી‌ બોલી લ્યો મોટા બેન!ત્યાં તો મ્યાનમાંથી તલવાર છૂટી હોય તેમ શબ્દો સીધા હૃદયમાં વાગ્યા,તમારે કેવો પ્રસાદ તમે તો મને ઝેર આપો છો!ને હું રોજ એ પીઉં છું તે ઓછું છે કે હું આ ખાવું. મીરા ચાલ હવે આ કળિયુગમાં કોઈ મીરા રહી નથી.

વધુ વાંચો 👉:-જીવનના મૂલ્યો ભાગ (૨)

હા હા લઈ જાવ તે સતી સાવિત્રી ને,બાકી મારી ગણતરી તો ખેતરમાં ઉભા ચાડિયા સમાન જ કરી છે.જ્યારથી આ ઘરમાં પગ મુક્યો છે ત્યારથી પગરખાંએ ગોત્યા નથી‌ જડતાં .લીમડા નીચે ખાટલો ધાળીને ચુંદડી નું ગોટો વાળીને સુઈ ગઈ ત્યાં જ ખીમો આવ્યો ને પૂછ્યું કેમ મો એ ગોટા દઈને સુતી છે?

નક્કી આજે તું કમોસમી વરસાદમાં પલડી લાગે? હા હો તમને તો મજાક સુજે છે,પણ ખીમા ના હોઠ હાસ્યથી ઘણું કહી રહ્યા હતા.હવે વરસાદ કાંકરાની થાય કે કરાની આપણે તો લાગ્યા વગર છૂટકો નથી.આજની પરજાને મગજ ટૂંકા ઘણું કહેવાય એમ પણ નથી એટલે બસ શાંતિથી ત્રણ ટકનો રોટલો ખાઈએ એટલે આપણે ગંગા નાહ્યા.

અમે જે પીડાના ઘૂંટણ પીઘા તેવા હવેની બાઇ ન પીવે.પહેલા તો સુવિધાના અભાવે ખૂબ જ તકલીફ વેઠવી પડતી.હવે સગવડો એટલી વધી ગઈ છે કે તેનો દુરુપયોગ કરી માણસ શરીરથી નબળો પડતો જાય છે,સાંભળો છો ને રમલાના બાપા?

હા હવે મારે તો સાંભળવું પડે ને બાકી તો તારે મોઢે તાળું ખુલે જ ક્યાં છે.લે હું ચાય પાણી કરીને નીકળું ખેતરે વાવણી ચાલુ છે તે કામ થાય પૂરું.તુ જા તારા ઠેકાણે તારી રાહ જોતું હશે બિચારો.અચાનક દૂર દૂરથી ચીસો પડતી હોય તેવો આભાસ થયો ખીમે ગીઘ નજરે ગોખલેથી જોયું તો આખું ટોળું જૂટમુટ આવી રહ્યું હતું.

તેમાં રામી પણ હતી ખીમાની આંખોમાં‌ તરમરીયા‌ ફરવા લાગ્યા.એલા એવું તો શું ભાડયુ કે કંઈ બોલતા જ નથી? હાંફતા બોલ્યો !હવે ભગવાન ઉપાડી લે તો તેનું આભાર આવા દિવસો તો ન જોવા પડે.તમે તો આજે જોયું મારી આંખો તો રોજ ઉઠીને અહિયાં જ નારિયેળ વઘારે છે.

પણ કહેવું કોને આપણી વહુને હવે ઝાલી ઝલાય તેમ નથી મારી દીકરી ઘોડે એને મેં રાખીને માન આપ્યું પણ એ આપણા પરિવારની આબરૂના આમ ગામ વચ્ચે ચિત્રા કરે છે બાપની મિલકતનું પાવર વધારે ચડી ગયો છે.

પૈસા તો હાથનો મેલ છે.અક્કલ ઠેકાણે આવશે એટલે પોતે સમજી જશે.હવે તમે રમલા ને ખેતરે બેસાડીને પ્રેમથી વાતો કરી કહેજો એનું માન રાખે તો?

બાકી હું તો રમલાનું મોઢું જોઉં છું તો‌‌ એને હુંડી વચ્ચે હોપારી જેવું તાલ છે.સારું હવે ઘણું થઈ ગયું.હું હાલ્યો મારે‌ સિમાડો ભલો.

હેજી ને લાગ્યું કે જાણે સાત જુગના અંધારા એક સમયે ઉતરી આવ્યા હોય રાતનું અંધારું તેને ઘેરી વળતું પણ રાતના અંઘકારથીય તેને દિવસનું અંધારું ભયંકર લાગતું ધીમા અવાજે મીરાંને પૂછ્યું બેટા હવે તો તારા દિવસે ભરાવા આવ્યા પછી મારું રામ જાણે?

અહીંયા પોતાનો ઘર જ જાણે પારકો બની ખૂર્ચા કરે છે,અરેરે તમે ટેન્શન લ્યોમા હું તો પરીક્ષા આપીને સાત દિવસમાં પાછી, અમેરિકા તો જાતી નથી કે તમે આટલા નેહાકા નાખો છો?

એક ઊંડો શ્વાસ લઈને હેજી બોલી ચિંતા તો થાય ને પણ તું ઘરની ઉંદય ન ઉખેડતી,તારા ભણતરમાં ધ્યાન આપજે ત્યાં જ મીરાંને લાગ્યું કે બારણાં પાછળ કોઈ આવીને વળી ગયું ફરીને જોયું તો રામીની પીઠ દેખાય આંખોમાં આંખો પરોવાઇ જાણે ત્રાટકતી ઘણું બધું કહી ગઇ.

ભાવના આહીર.

 

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

Leave a Comment