પ્રેમ નો પ્રવાહ‌ છે લાડકી દીકરી-દિકરી વિશે લેખ

        

     “ પ્રેમ નો પ્રવાહ છે લાડકી દીકરી”

 

લાડકી શબ્દ આવે ત્યારે આપણી નજર સમક્ષ એક જ ચિત્ર દેખાય તે છે દીકરી,પણ અફસોસ છે મને એક વાતનો કે આજે સૌથી ઓછામાં ઓછી સંખ્યા હોય તો તે લાડકીઓની .આજે આપણે 21 મી સદીમાં જીવી રહ્યા છીએ પણ શું આપણે આપણા વિચારોમાં કાંઈ બદલાવ લાવી શક્યા છીએ?

 

પ્રેમ નો પ્રવાહ છે લાડકી દીકરી"


હા અને ના કેમ કે હજી તો ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આજે પણ એક દીકરીને બોજ માનવામાં આવે છે.આજે પણ દીકરીઓને જન્મ આપતા પહેલા જ ગર્ભમાં મારી નખાય છે. સરકાર દીકરીઓને આગળ લાવવા માટે કેટલીક સુવિધાઓ આપી રહી છે છતાં પણ જગતની દૃષ્ટિ દીકરી પ્રત્યે બદલાઈ નથી.

આજે પણ કોઈ દીકરી પોતાના સપના માટે ઘરથી બહાર નીકળે છે તો તેને સફળતાનું હાર નહીં પણ કેરેક્ટર લેસ નો હાર પહેરાવી અને તેને બદનામ કરી દેતા હોય છે તેને પોતાના સપનાઓ માટે કેટલી બધી મહેનત કરી અનેક મુશ્કેલીઓનો સામનો કરી અને કુરબાની આપી હોય છે પણ દુઃખ એ વાતનો છે કે આજે પણ કોઈ સાથ સહકાર આપવાના બદલે તેને નીચે પાડે છે જો આપણે કોઈ એકની જિંદગી પણ બદલાવી શકીએ તો માત્ર એક જિંદગી નથી બનતી પણ તેની પાછળ અનેક જિંદગી નવું જન્મ લે છે અને આપણા દેશ માટે કંઈક કરીને દેશની વિરંગનાઓ બને છે.

દીકરો-દીકરી બન્ને એક જ સમાન છે. તમે દીકરીના જન્મને માણો તો ખરા અને જેણે દીકરીને માણી નથી, જેણે દીકરીના પ્રેમને જાણ્યો જ નથી, અનુભવ્યો નથી એણે આ મૃત્યુલોક્નો માત્ર ધક્કો જ ખાધો છે અને એક લાડકી માની કૂખમાથી જ કહે છે..

 
મા મને આ દુનિયામાં આવા દે,તું દહેજથી ડરીશ નહીં,મને એક તારા બાગનું ફૂલ બનીને ખીલવા તો દે, આમ મને તું બીજાની દ્રષ્ટિએ કરમાવીશ નહીં,મને જીવવા દે એક દીકરી નો અવાજ સાંભળીને કદાચ આપણે ડૂબી મરવાનો પણ આ હકીકત છે આવા તો અનેક અવાજો છે જે બહાર જ નથી આવતા તે અંદરની અંદર જ દફનાઈ જાય છે.


ખરેખર દીકરી એ સાપનો ભાર નથી,પણ એક સાથે ત્રણ કુળને- મા-બાપ, મોસાળ અને સાસરિયાના કુટુંબને તારવા વાળી સાક્ષાત લક્ષ્મી છે.માતાનું પ્રતિબિંબ ને પિતાનું કાળજું છે.

 

 “ પરિવારની આબરૂ ને ખૂમારી છે,ના સમજો એને ક્મજોરી”

 

 દીકરી જે આખા પરિવારનો વિચાર કરે છે. એ પોતાની જિંદગીનો પણ વિચાર નથી કરતી પોતાની જિંદગીને એ એક કૂવામાં રહેલા દેડકાની જેમ જીવી જતી હોય છે. માતાના ગર્ભથી લઈને તે આખી જિંદગી પરિવાર થકી બીજાને ઘરે જઈને પોતાના બનાવવામાં બસ એમની ખુશીમાં જ જિંદગી કાઢી નાખે છે. 
 

વધુ વાંચો:- પ્રજાસત્તાક ભારત વાર્તા મોક્ષ અને મુક્તિની સેવાકીય સફર

 
આટલી સહનશીલતા હોવા છતાં પણ એક સમાજ અને પરિવાર આંખો મીંચીને એક દીકરીની જિંદગી દાવ પર મૂકી દે છે. તેમના સપનાં શું છે ? તેમને શું કરવું છે ? એ તો પૂછવામાં જ નથી આવતું. બસ, દીકરી થોડી મોટી થાય એટલે હવે એને ઘરમાં જ રહેવાનું. બસ, એ જ એમની જિંદગી. એક પ્રાણીની જેમ જિંદગી કાઢવાની. એને પણ જિંદગીમાં કંઈક કરવું છે, એને પણ કંઈક કરી બતાવાના અરમાનો છે. તમે એને પૂછો તો ખરા,બસ થોડીક ઉમર થાય એટલે તેના લગ્ન કરાવી દો.
 
પોતાનાં બધાં જ સપનાઓને એક પાનખરની ઋતુની જેમ ખંખેરીને તે બધાની ખુશી માટે તે પોતાને ગમતા,ન ગમતાઓને ભૂલીને, ક્યારેક તે ઘણું બધું અણગમતું સહન કરતા કરતા તે પોતાનો જીવ પણ કુરબાન કરી દે છે.
 
 એક દીકરીને લગ્ન જીવન માટે તેનું જીવન સાથી ભણેલો કે હોશિયાર નહીં પણ એક એવો પાત્ર જોઈએ કે જે તેનું માન સન્માન કરે નહીં કે અપમાન અને હા ઘણા બધા એવા પણ કિસ્સા જોયા છે કે જેમાં માત્ર સ્ત્રીનું વાંક ગુના વગર પણ તે ઘણું બધું સહન કરતી હોય છે. પણ હવે આપણે આપણી જાત માટે આપણા અસ્તિત્વની ઓળખ માટે લડવું પડશે અને જો આપણે જ અન્યાયને સહન કરીએ તો એ આપણે જ આપણી જાત મૂર્ખાઈ કરી કહેવાય માટે લડવું તો હવે આપણે જ પડશે પણ એ પરિવાર સમાજ બધાને ધ્યાનમાં રાખી અને એક આપણી નવી ઓળખ ઊભી કરી ઘર પરિવાર સાથે આપણે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખી અને અનેક નવી જિંદગીને શણગાર કરવું છે.

પરિવાર માટે પણ તે પોતાના દુઃખને કોઈની સામે લાવતી નથી કારણ કે તેવું ઈચ્છે છે કે મારું પરિવાર આમ જ હસતું ખીલતું ખુશ રહે મારા આ એક દુઃખના કારણે ક્યાંક માર્ગ પરિવાર ભંગાઈને કચડાઈ ના જાય બસ આમ જ એક આદર્શ દીકરી બનીને રહે છે. દીકરી તો એક લાગણીનું બંધારણ છે, જો એ નહીં હોય તો સંબંધો જ ક્યાં બાંધશું ?આમ, આપણે દીકરીને માન, સન્માન આપી તેને વધાવવી જોઈએ.

” સડક તો એક જ છે,પણ કોઈ જાય છે. કોઈ આવે છે, કોઈ મંજિલ સુધી પહોંચાડે છે તો કોઈ મંજિલથી પાછા વાળે છે. દીકરીની સોનેરી પાંખોને ઉડવાતો દી, એને જિંદગીમાં કંઈક કરવાતા દો.”

તમે દીકરી વિશે આ લેખ વાંચ્યું તે બદલ આપ સૌનું ખુબ ખુબ આભાર અને તમને કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો.

 

-ભાવના આહીર,
ઉખડમોરા,ગાંધીનગર.

 

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “પ્રેમ નો પ્રવાહ‌ છે લાડકી દીકરી-દિકરી વિશે લેખ”

Leave a Comment