ક્યારેક આપણે વિચાર્યું ન હોય તેવી ઘટનાઓ આપણી સમક્ષ બનતી હોય છે,પણ આપણે તેની ફક્ત પીઠ થબથબાવી શકીએ બાકી ઇચ્છતા હોવા છતાં પણ કંઈ કરી શકતા નથી.
મારે કામથી બહાર જવાનું થયું, સાંજનો સમય એટલે બસ આમ જ રોડ પર એક મોટી ઉંમરના બા શાકભાજી લઈને દરરોજ બેઠા હોય,બસ આવતા જતા હું તેમને બોલાવું,થયું એવું કે હું ત્યાંથી પસાર થઈ રહી હતી મે માજીને મેં, પૂછ્યું ,
કેમ છો બા?
તો જાણે ઘડિયાળના કાંટા રોકાઈ ગયા હોય તેમ બા કંઈ બોલી જ ન શક્યા ને રડવા લાગ્યા,જાણે આજે નદીએ આ પથ્થરમાં અથડાઇ પોતાનો રસ્તો શોધી લીધો હોય, આંખોમાં વહેતું ઝરણું મારી આંખો આંજી ગયું.
મે હળવેકથી પૂછ્યું શું થયું તમને? અરે બેટા તું મારા છોકરાઓ થી વાત કરને સમજાવ કે મને મળીને તે કામ પર ભલે બીજે શહેર જતા,જો જુઓ બા એમને અચાનક કંઈ કામ પડ્યું હશે એટલે તેમને
મળવાનું ટાળ્યું હશે,ના બેટા તે દર વખતે આવું જ કરે છે મને મારાથી દુર રહે છે તેનું દુઃખ નથી, પણ દુઃખ એ થાય છે કે તેઓ મારી નજીક આવીને દૂર થઈ જાય છે,પાછું તેમની આંખોમાં દરિયો ઉછડ્યો તું વાત કર તેને સમજાવ કેમ મળવા નથી આવતા?
તમારા થી કામ નથી થતું તોય બેટા હું લથડાતી અહીં શાકભાજી લઈને બેઠી છું, પેટે પાટા બાંધીને હું મારા છોકરાઓ ને પૈસા મોકલું છુ કે એમને કંઈ તકલીફ ન પડે.
ભલે બા,કોલમાં રીંગ જાય પણ ફોન કાપી નાખે,બા જુઓ હવે તમે હેરાન શું કામ થાવ છો? તમારે બસ આ ભગવાનના છાયડામાં આનંદ લેવાનો.
તમે હવે રડવાનું બંધ કરો હું તમને મળવા આવીશ બસ બા બોલ્યા ‘બેટા મને તો ભૂખ માત્ર પ્રેમની છે’ મારી સામે બસ પ્રેમથી વાત કરે ને બેટા તોય હું આ ભવ તરી ગઈ .આ શબ્દો મને લાગી આવ્યા.
શું આપણે કોઈને હૂંફ ન આપી શકીએ ?જેને આપણે મોટા કર્યા તેને શું આમ રસ્તા પર રડતા મૂકી શકીએ? બસ થોડી ક્ષણો માટે આપણે ભાવનાનું વહેણ ન વહાવી શકીએ?
તેમનું સુખનું સરનામું તો એમના સંતાનો જ છે ,બીજું એમને કંઈ જોઈતું પણ નથી.પણ કદાચ આ દશ્ય જોઈ ત્યારે એમ થાય કે વૃદ્ધાશ્રમ ત્યારે જ ખોલવામાં આવ્યા હશે જ્યારે વડીલોને તરછોડીને ઠેસ પહોંચાડી હશે.
આશું લૂછવા ઓઢડાંની ગાંઠો છોડતાં સંબંધને ઢાંકવું પડ્યું હસે. આપણે જીવનમાં કંઇ પણ કરીએ છીએ તેનું હેતુ એ જ કે આપણું પરિવાર ખુશ રહે આપણે બીજાને મદદ રૂપ બની શકીએ પણ આપણા લીધે જો કોઈની આંખમાં આશુ આવતાં હોય તો તેનું કોઈ અર્થ નથી.
આપણે કેમ નાનું બાળક ઘરમાં હોય ત્યારે એને વહાલથી સમજાવીને ઉછેર કરીએ છીએ ,એની ભૂલ હોય તો પણ બાળક છે એમ કહી જતું કરીને વહાલથી સમજાવીએ છીએ .
બસ આમ આપણે ઘરના વડીલોની મોટી ઉંમરે એમનામાં પણ એક બાળકનો હૃદય ધબકતું હોય છે તો એમને પણ એ જ વહાલની વરસાદ કરી, યાદગાર ક્ષણોનું ચોગઠું બનાવી તેમના ઘડપણમાં એક લાકડી બની ટેકો આપી હૂફ આપીએ..
____________________________________. ભાવના આહીર. ઉખડમોરા,ભુજ,કચ્છ.
ભાવના આહીર "સત્યાંગી"
ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે.
આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.